Sunday, September 12, 2010

રાજ ના વેર

જય અંબે માતાજી

પાટણ ની પ્રજા અત્યારે મીઠી નીંદરડીને વ્હાલી કરી ઉંઘી રહી છે. ત્યા પાટણ ના દરવાજાથી થોડે દુર ચાચર ના ઓવારે ,જેની કસોક્સ બંધાયેલ ચોરણીમા ફાટુ ફાટુ કરતી છાતી હિલોળા લે છે તેવો વિરભદ્ર જેવા ઍક માણસની લાલઘુમ આંખો ઍકિટશે પાટણ ના ક્કુધ્વજ ને જોઇ રહી છે. લાગે છેકે હમણા પાટણ ની સત્તા ઍ પળ મા વિખેરી નાખશે. પાછળ ઉભેલા ઘરડા પણ જમાનાને ઘોળીને પી ગયા હોય તેવા ચાકરે ધીમા અવાજે કહ્યુ “ રા ! ખમૈયા મારા બાપ.. દરવાજે રોન વધુ હશે. થોડો આરામ કરી લ્યો ને બાપુ ..”
હજી પણ ચાતક નજરે પાટણ તરફ જોતાઍ યોધ્ધાઍ જવાબ આપ્યો “ હવે તો આ રા’ નવઘણ માંટે પાટણના જયસિંહને હરાવે નહી ત્યા સુધી આરામ કરવો ઍ તણખલુ મ્હોં મા દાબવા બરોબર છે.”
ત્યા દુર કોઈના ધીમા પગલા નો અવાજ સંભળાતાજ રા’ સાબદો થાય છે . પોતાની રાણી કરતા પણ વધુ વ્હાલી તલવાર ની મુઠ પર તેનો હાથ જાય છે. ત્યાંજ તેને અવાજ સંભળાય છે..


“સુરજ , જરા ગાડિ નુ ઍસી ચાલુ કરી દે, સાહેબ પાંચ મીનીટ મા આવી રહ્યા છે.” રા નવઘણ હવે શુ કરશે ની ચીંતા માંથી સુરજ સીધ્ધોજ રાજેન્દ્રભાઇ પટેલ ગાડી ઠંડી નહી હોય તો શુ કહેશેની ચીંતામા આવી ગયો. જલ્દી જલ્દી પોતાની મનગમતી નોવેલને ડેસ્ક્બોર્ડ પર મુકી દીધી.
સુરજ આમતો રાજેન્દ્રભાઇ ના ડ્રાઇવર નો દિકરો , બી.ઍ ના બીજા વર્ષમા અભ્યાસ કરે છે. હમણા પપ્પાની તબીયત નરમગરમ હોવાથી કુંટુબને મદદ કરવા સરુ પપ્પાની જગ્યાઍ નોકરી ઉપર છે. નોકરી કરવાની ઇચ્છા થવાનુ કારણ ઍક કે નવી નક્કોર મર્સીડિઝ બેન્ઝ ચલાવા મળે અને રાજેન્દ્રભાઇ ઍકવાર ઓફિસ આવે ઍટલે સાંજેજ બહાર આવે .આખો દિવસ પાર્કિગ મા બેસી ને પોતાની મનગમતા ક.મા.મુનશી અને ધુમકેતુ ની સુદર રચનાઓ ને વાંચવાની મઝ્ઝાની મઝાને પગાર નો પગાર.
રાજેન્દ્રભાઇ ને લઈને જયાં તેમની ગાડિ જી.આઇ.ડિ.સીના પોતાના સૌથી મોટા કંમ્પાઉન્ડ માંથી બહાર નીકળી અને આગળ વધી ત્યાજ પાછળથી તેમના જેવાજ કલરની અને ઇ કલાસ બેન્ઝનો સતત હોર્ન સંભળાયો. રસ્તો નાનો હોવા છતાય પાછળની ગાડીને ઓવરટેક જોઇતો હતો. રાજેન્દ્રભાઇ ઍ સુરજ ને ગાડિ બાજુ મા દબાઇ ને ઉભી રાખવા કહ્યુ. પાછળથી જતી ગાડિમા હતા તેમના કંમ્પાઉન્ડ્ની પાછળ આવેલી તેમના જેવીજ પણ પ્રમાણમા નાની પ્લાસટીક કંપની ના માલીક જંયતભાઇ. રાજેન્દ્રભાઇ ઍ જંયતભાઇને જોઈ ઍક સ્મીત આપ્યુ પણ જંયતભાઇઍ તમની સામે મ્હો ચડાઇને ઓવરટેક ને જીતેલો જંગ માની આગળ વધ્યા.
સુરજને આ ન ગમ્યુ તેણે પુછ્યુ “મોટાભાઇ(નાનપણથી તે રાજેન્દ્રભાઇને આજ નામે સંબોધતો….)આ જંયતભાઇ તમને દુશમન માને છે અને તમે હંમેશા તેમને કેમ માનથી બોલાવો છો? તેમને જોઇ સ્મીત આપો છો?
રાજેન્દ્રભાઇ ઍ હસી ને વળતો જવાબ આપ્યો “ હશે!! ઍમને ટેવ પડી.”
ગાડી ચલાવતા સુરજને મ્હો ચડાયેલ જંયતભાઇ નો ચહેરો યાદ આવ્યો .તેમની આંખોમે તેણે જે કડકાઇ ને દુશમનાવટ જોયા તે તેણે પહેલા પણ કંયાક અનુભવ્યા હતા અને તે વિચરતાજ તરત તેની નજર ડેસ્ક્બોર્ડ પર પડેલ નોવેલ તરફ ગઇ.
વાત જાણે ઍમ હતી કે જંયતભાઇઍ સૌ પ્રથમ પ્લાસ્ટિક ની ઇન્ડસ્ટ્રી આ જી.આઇ.ડિ.સી મા નાંખી હતી. અને રાજેન્દ્રભાઇ ના પપ્પા તેમના ભાગીદાર હતા. વખત જતા જંયતભાઇને પર્સનલ દેવુ વધ્યુ. સમય પારખી રાજેન્દ્રભાઇ ના પપ્પા છુટા પડ્યા. ઍકાઉન્ટ સેટલમેન્ટ ના પરીણામે આખીય જી.આઇ.ડી.સી નો સૌથી મોટો બ્લોગ બે ભાગમા વંહેચાયો અને લેણિદેણીના અંતે જંયતભાઇ ના ભાગે પાછળ નો નાનો ભાગજ બચ્યો. પીતાના મુર્ત્યુ બાદ રાજેન્દ્રભાઇ ધંધામા જોડાયા અને તેમની અભ્યુદય પ્લાસ્ટીક્સ પ્રા.લી કંપની ગુજરાત ની ગણનાપાત્ર પ્લાસ્ટીક ક્મ્પનીઓમાં ની ઍક બની ગઈ. ખબર નહી કેમ પણ જંયતભાઇ હંમેશા રાજેન્દ્ર ને પોતાનો દુશમનજ ગણતા આવ્યા. ધંધામા તેમની લીટીં કેમ કરી લાંબી કરવી તે વીચરવા કરતા અભ્યુદય પ્લાસ્ટીક્સ પ્રા.લી કંપની ની લીટી કેમ કરી નાની કરુ ની વેતરણ માંજ તે રહેતા. અને રાજેન્દ્રભાઇ તેમના ભુતકાળના જીતુકાકા ની આ હરકતો ને હંમેશા હસતા હસતા સ્વીકારતા રહ્યા.
________
આજે સુરજ સમયે ગાડિ લુછી ને મોટાભાઇ ની રાહ જોતો વિશાળ બંગલાના પાર્કિગ મા બેઠો હતો. ત્યાજ રતને આવી સમચાર આપ્યા આજે સાહેબ ને મોડુ થશે. કઇક ચીંતા મા મોટીબા સાથે વાત કરી રહ્યા છે. સુરજ જાણી ગયો કે વળી પાછુ મોટિબા ઍ ભાઇના લગ્નની વાત કાડી હશે .બન્ને મા દિકરો થોડિવાર ઝગડશે અને આજે કલાક પાકો.
ઍટલે ઍણે નોવેલ કાડી…
મહાઆમત્ય મુંજાલ મહેતા આંખો વડે મીનળદેવી ને સમજાઇ રહ્યા હતા કે ટાઢે પાણીઍ ખસ ગઇ છે હવે જયસિંહ ને સમજાવો કે પાછળ જાય નહી. મીનળદેવી સમજતી હતી કે જયસિંહ આમ સીધ્ધો છે પણ તેને છંછેડવામા આવ્યો છે .તે સોરઠની ભુમી પર તેના પાટણ નુ બધ્ધુ બળ લગાડી દેશે. પણ હવે દિકરાને સમજાવો કેમ?
સિધ્ધરાજ માંટે આ ઘા પોતાની કિર્તી ઉપરનો હોય તેમ લાગ્યો હતો. પોતે જેને પરણી ને પાટણ ની મહારાણીપદે સ્થાપવાનુ સ્વપન જોતો તે દેવડી આજે નવઘણ ના દિકરા ખેંગાર સાથે ભાગી ગઈ હતી. દેવપ્રસાદને પોતાની શોર્યબુધ્ધીથીજ વિચારવાની ટેવ હતી અને તેને થતુ કે હવે જયસિંહ શેની રાહ જુવે છે. હવે તો જુનાગઢ ના દરવાજા ઍ તોડે નહી તો ફટ છે ઍને..


“સુરજભાઇ બધ્ધુ જાણિ આવ્યો છુ. ખરુ થયુ સાહેબ જોડે…” રતને પાછા આવીને જાણે કાનમાં કહેતો હોય તેમ ધીમે થી કહ્યુ.
સુરજે માથૂ ઉચક્યુ અને એના ચહેરા પર પ્રશ્ન હતો. જે સમજીને રતને આગળ ચલાવ્યુ કે રાજેન્દ્રભાઇ ના લગ્ન ની વાત છાને છપને છેલ્લા ૬ મહિનાથી તારકેશ અમીન ના દિકરી સાથે ચાલતી હતી. લગભગ બધ્ધુ પાકે પાયે હતુ. રાજેન્દ્રભાઇની પણ લગભગ ના માંથી હા થઇ ગઈ હતી અને આ હમણાજ સમાચાર આવ્યાકે જંયતભાઇ નો દિકરો આજે સવારેજ તારકેશ અમીનની દિકરી ને લઇ ભાગી ગયો. બાનુ માનવુ છે કે જંયતભાઇ નો આમા હાથ હશે કારણ કે સુધાભાભી (જંયતભાઇ ની પત્ની) ને આપણે માંગુ નાખ્યુ છે તેની જાણ હતી.
સુરજ ને થયુ કે જંયતભાઇ ને ત્યા જઈ તેમને મારી મારીને અધમુવો કરી નાખુ. ત્યાંજ કશુ બન્યુજ ન હોય તેમ રાજેન્દ્ર ગાડી મા આવીને ગોઠવાયો અને ઍજ સરસ સ્મીત આપી ને કહ્યુ
“ ચાલ ભાઇ સુરજ , આજે ખરેખર મોડુ થઇ ગયુ. રઘુકાકા (સુરજ ના પપ્પા) ના કાલે ટેસ્ટ કરાવેલા તે બધા બરોબરજ આવ્યા છેને કઈ ચીંતા જેવૂ નથીને??”
સુરજે ડોકુ હલાવી . નોવેલ બંધ કરી તેને ડેસ્કબોર્ડ મા ગોઠવતા ગોઠવતા મન મા મમળાવ્યુ કે મોટાભાઇ સમજતા કેમ નથી કે આ જે થાય છે તે ચીંતા જેવુજ છે.
_________
આ વાત ને લગભગ ૬ મહિના વીતી ચૂક્યા છે. આ દરમીયાન જંયતભાઇ ના નાના મોટા સના ચાલુ જ છે. રાજેન્દ્રભાઇ પોતાની ઉંમર કરતા પણ વધુ ઠાવકાઇ થી જંયતભાઇ સાથેના તેમના સંબધો જાળવી રાખ્યા છે . સુરજ દિન પ્રતીદીન જંયતભાઇ અને અમની ફેકટરી ના બધ્ધા માણસો ને દુશમન માની રહ્યો છે. થોડાઅંશે તો તેને મોટાભાઇ પર પણ ચીડ હતી.તેને લાગતુ કે જયંતભાઇ ના ઍ દિકરાના રીસેપ્શન મા ભાઇ ને જવાની શી જરુરુ હતી?
અને મન પાછુ નોવેલ મા પુરવામા પ્રયત્ન કરે છે.
લગભગ છેલ્લા દોઢ કલાકથી દોડતા ઘોડાના ફુલેલા શ્વાસ નો અવાજ જયસિંહ ને સભળાઇ રહ્યો છે પણ આજે તેના મગજ મા કોઇ પણ સંજોગોમા રા’નવઘણ ને પકડવાની રત લાગી છે. તે જાણે છે કે ઍક તો આ થોડાકજ ખેતરો બાકી છે ને પછી શીવજી ની ફેલાયેલ જટા જેવુ વિશાળ રણ આગળ પોકાર કરે છે. દુર ભાગતો રા’ પોતાની માનીતી સાંઢણી પર છે . તેની નાગજણ સાંઢણી ની અનેક વાતો અનેક લોકોના મોહ્ડે જયસિંહે નાનપણથી સાંભળી છે. ઍવુ કહેવાય છે કે રા’ દુનીયા મા સૌથી વધુ આ “નાગજણ” નેજ પ્રેમ કરે છે. અને જયાં સુધી રા’ નાગજણ પર સવાર હોય ત્યા સુધી દુનીયામા કોઇજ અસવાર એવો નથી કે જે તેમને પકડી શકે.
નાગજણ માંટે પણ આ ઉક્તિ સાચૉ કરવાનો આ પ્રસંગ હતો. સાંઢણી પોતાના માલીક ને પાછળ પડેલા ઍ કાળમુખા દુશમનથી બચાવવા આજે થાક ને પોતાના અંગોને અડવા નથી દેતી..
“ બેટા, બસ હવે બે ગઉ નુ છેટુ છે મા… જાળવી જાજે . ઍક વાર રણે વર્તીશુ પછી તો જયસિંહ શુ ઍનો બાબરો ભુતેય આપણે ને નહિ પકડી શકે. આખી જીંદગી હારે હાલ્યા છે બા, મરશુ તોય સાથે અને જીતશુ તોય સાથે હાલ મા હાલ…” નવઘણ ના શબ્દો નાગજણ માંટે જાણે અમરત નુ કામ કરે છે. હાંફતી સાઢણી બમણા જોરથી દોડે છે.
રસ્તામા એક નાનકડુ તળાવ આવે છે ને ઍ નાનકડા પાણી ની પેલે પારથી શરુ થાય છે અમાપ રણ .જો ધારે ધારે જાય તો પકડાઇ જવાય તેની જાણ રા’ ને છે. ઍક ક્ષણ માંટે નાગજણની આંખ સામે જોવે છે અને જાણે સઘળુ સમજી ગઈ હોય તેમ ઍ ડાહી સાંઢણી
પોતાની જાત ને સ્વામી ને તકલીફ ન પડે તેમ સાચવી ને પાણીમા નાંખે છે.
દુર થી માર માર કરતા આવતો સીધ્ધરાજ આ દ્રશ્ય જુવે છે .દુશમન અને એની સાંઢણી ની બહાદુરી અને જોમ જોઇ તેના મ્હોં મા પણ શબ્દો સરી પડે છે કે “ ધન્ય રા’ ધન્ય તારી નાગજણ. રાજાને દુશમન મળે તો આવો મળે..”
સાંઢણી સ્વામી ને સાચવતા તરતા તરતા બહાર નીકળવા જાય છે સો ગાઉ નુ છેટુ ઍકી શ્વાસે દોડિ માંથાડુબ પાણી મા તરવાનુ
કૌવત નાગજણ સીવાય કોઇ કરી શકે તેવુ તો કોઇ આ ધરા પર હતુ નહી. પણ બહાર નીકળતા ચીકણિ માંટી પર તેનો પગ લપસે છે.
ઍક મોટા ધમાકા સાથે સાંઢણી નીચે પડે છે. અનુભવી સવાર રા’ સમજી જાય છે કે હવે નાગજણ નહી ઉભી થઈ શકે. પોતાની જનમો જનમ ની સાથી ને પડેલી ,હાંફતી જોઈ કદાચ નવઘણ ની કરડિ આંખો ના ખુણા પહેલી વાર ભીના થાય છે. દુનીયાનો ઍ પ્રસિધ્ધ યૌધ્ધો પોતાના ગળામા ડુમો જીવન મા પહેલીવાર જ અનુભવે છે. હથીયાર બાજૂમા મુકી ને હાંફળો ફાંફળૉ થઈ જાય છે. મરતી નાગજણ ને ન જોઇ શકતો હોવથી તે પોતે તેનાથી વહેલો મરવા તૈયાર થાય છે. ત્યાંજ જયસિંહ અને તેમના યૌધ્ધા આવી જાય છે. પરીસ્થીતી નો તાગ ક્ષણમા મેળવી સીધ્ધરાજ પોતાની ફોજ મા રહેલા બન્ને વૈદો ને બોલાવી નાગજણ ની તાત્કાલીક સારવાર માંટે આદેશ આપે છે. સિધ્ધરાજ નુ આ વર્તન જોઇ રા’ નવઘણ ડઘાઇ જાય છે. તેના મત મુજબ જયસિંહ તેને અને તેની સાંઢણી ને પલમા ખતમ કરત પણ…..
“આગ… આગ…. “ની બુમો ચારો તરફ્થી સંભળાય છે. સુરજ નોવેલ માંથી મ્હો બહાર કાઢી જુવે છે તો આજુબાજુની ફેકટરીઓના કામદારો જંયતભાઇ ની ફેકટરી બાજૂ દોડતા દેખાય છે. ખબર પડે છે કે તેમની ફેકટરી મા આગ લાગી છે અને અંદર ૫ થી ૭ કામદારો ભરાયા છે. મોટા મોટા લાહ્યબંબા અને ફાયર્બ્રીગેટ ની ગાડિઓ બહાર સુધી આવી ગઈ છે. જંયતભાઇની ફેકટરી પાછળ ના ભાગ મા હોવાથી ત્યા સુધી પાણીના બંબાઓ જઈ શકે તેમ નથી. રસ્તો ઘણોજ સાંકડો છે.
સુરજ પોતાની જગ્યાઍથી સહેજ પણ ખસતો નથી ઉલ્ટુ મનોમન ખુશ થાય છે. ઍને થાય છે ચાલો સારુ થયુ ભગવાન આવા લોકોને બદલો આવો જ આપે છે.
પણ ત્યાજ તે રાજેન્દ્રભાઇ ને જુવે છે. ગાડિઓ ઝડપથી જંયતભાઇ ની ફેકટરી સુધી પહોચી શકે તે માંટે તે પોતાની ફેકટરી ની બન્ને આગળની અને પાછળ ની દિવાલ પોતાનાજ કામદારો જોડે તોડાવતા હતા.
સુરજે જોયુ કે રાજેન્દ્રભાઇ ની અનુમતી અને પ્રયાસો થી દિવાલો તુટી અને પોતાની કંપની ના આગળ ના સરસ મઝાના બગીચાને
અસ્તવ્યસ્ત કરી ફાયરબ્રીગેટ ની ગાડિઓ દોડી રહી છે. અને લગભગ આગ બુઝાઇ જવા અવી છે કામદારો ને બચાવી લેવામા અવ્યા છે. ઍક ખુણામા શુન્ય મસ્તકે ઉભેલા જંયતભાઇની પાસે રાજેન્દ્રભાઇ પહોચી ખભે હાથ મુકે છે.
હવાથી સુરજ ના હાથમા રહેલ નોવેલ નુ પાનુ બદલાય છે
ને સિધ્ધરાજ જયસિંહ રા’ નવઘણ ને ઉભા કરતા બોલે છે
“ રા’ વેર રાજ ના હોય ઍમા પ્રજા ને પશુ નો ભોગ ના હોય ….”
લેખકઃ

હાર્દિક યાજ્ઞીક

૯૮૭૯૫૮૮૫૫૨(મો)

hardikyagnik@rediffmail.com

Hardik Yagnik


2 comments:

  1. Hardik, very nice, you have very good command over gujarati... keep it up!! Kalpesh, Northpole

    ReplyDelete
  2. SIR...... REALLY "ADBHUTT" STORY CHE.....
    STORY IS CLINGING US....UP TO BEGINNING TO END..
    NICE ONE.......SIRJI..

    ReplyDelete